કોરોના વાયરસ (Coronavirus)ના કારણે હવે ચીનથી 600 જેટલી વિદેશી કંપનીઓ (Foreign Companies) ભારત આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કંપનીઓની સાથે વાતચીત ચાલી રહી છે. આ યોજનાને આકાર આપવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રાજ્યોને પણ સંપર્ક કર્યો છે. જે રાજ્ય સૌથી પહેલા સસ્તા દરે અને ઓછા સમયમાં પ્લાન્ટ લગાવાની સગવડતા આપશે તેને ત્યાં વિદેશી કંપનીઓને જવાની છૂટ મળશે. રાજ્યોને પણ આ માટે અલગથી પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે.
કંપનીઓને ભારત લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇન્ડસ્ટ્રી કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે કહ્યું કે વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા માટે રાજ્યોની ભૂમિકા સૌથી મહત્વની રહેશે.
તમામ વિદેશી કંપનીઓને યુનિટ લગાવવા અને મુખ્યરૂપે જમીન લેવા માટે સ્નાનિક સ્તર પર મંજૂરી માટે સૌથી વધુ સમસ્યા થાય છે. રાજ્યોએ આ માટે તૈયાર રહેવું જોઇએ અને જમીન આપવા પર સૌથી વધુ ધ્યાન આપવું જોઇએ. વિદેશી કંપનીઓના મનમાં ભારતમાં જમીન અધિગ્રહણને લઇને અનેક ભ્રમ છે જેને દૂર કરવા જરૂરી છે.
વધુમાં પીયૂષ ગોયલે જણાવ્યું કે કોરોના વાયરસ જે રીતે મુશ્કેલીઓ આપી છે તે રીતે જ અનેક નવી તકો પણ ઊભી કરી છે. આ વિષે સરકાર ઉદ્યોગ જગત સાથે મળીને રણનીતિ બનાવી રહી છે. અલગ અલગ ઉદ્યોગો માટે અલગ અલગ રણનીતિ બનાવવામાં આવે છે.
ગોયલે આગળ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ખનન, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીમાં અનેક મોટો રિફોર્મ કર્યા છે. કોર્પોરેટ ટેક્સમાં મોટો કાપ પણ કરવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 12 સેક્ટર્સની જાણકારી મેળવી છે જ્યાં એક્સપોર્ટ વધવાની પૂર્ણ સંભાવના રહેલી છે.