નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર એક એવી દુર્લભ પ્રજાતિની માછલી મળી જે રંગ બદલવામાં માહેર છે. આમ તો હજુ સુધી આપણે કાચંડા જ રંગ બદલતા હોય તેવું સાંભળ્યું છે પરંતુ આ ઝેરી સ્કોર્પિયશફિશ પણ શિકાર કરવા અને પોતાના બચાવ માટે રંગ બદલી શકે છે. આ રંગ બદલનારી માછલીને સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટીટ્યૂટ (CMFRI)ના વૈજ્ઞાનિકોએ શોધી છે. આ માછલીનું નામ સ્કોર્પિયનફિશ (Scorpionfish) છે જેની કેટલીક તસવીરો CMFRIએ પોતાના ટ્વિટર પર શૅર કરી છે.
સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટીટ્યૂટના ડૉ. જેયાબાસ્કરને જણાવ્યું કે, સ્કોર્પિયનફિશ મન્નારની ખાડી (Gulf of Mannar)માં જોવા મળી છે. જે સમયે તેને જોવામાં આવી ત્યારે તે ઘાસમાં છુપાઈ ગઈ હતી. આ પ્રકારની માછલીની શોધ દેશમાં પહેલીવાર કરવામાં આવી છે.
CMFRIના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ માછલી પોતાની કરોડરજ્જુમાં ઝેરને સ્ટોર કરીને રાખે છે. ગંભીર સ્થિતિમાં તે પોતાનો રંગ બદલવામાં તેનો ઉપયોગ કરે છે.
સ્કોર્પિયનફિશનું વૈજ્ઞાનિક નામ સ્કોર્પિનોસ્પિસિસ નેગલેક્ટા છે. તેની ખાસિયત એ છે કે તે પોતાનો રંગ માત્ર 4 સેકન્ડમાં જ બદલી લે છે. તે ખૂબ જ ઝેરી હોય છે. તેના સેન્સરી ઓર્ગન પૂંછડીમાં હોય છે જે ખૂબ જ તેજ હોય છે.