અમદાવાદઃ કોરોના વાયરસ (Coronavirus)ને સંક્રમણને રોકવા માટે ભારત (India)માં 25 માર્ચથી લાગુ કરી દેવામાં આવ્યું હતું. આ પહેલા કેન્દ્ર સરકારે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતનમાં આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા. પરંતુ બાદમાં મોદી સરકારે વંદે ભારત મિશન હેઠળ (Vande Bharat Mission) વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાનું મોટું અભિયાન હાથ ધર્યું.
તેના ભાગરૂપે કતાર (Qatar)ના દોહા (Doha)થી શનિવારે 154 ગુજરાતીઓને લઈને ફ્લાઇટ મોડી સાંજે અમદાવાદ પહોંચી. નોંધનીય છે કે, કતારથી અમદાવાદ આવનારી આ પહેલી ફ્લાઇટ છે.
દોહાથી અમદાવાદ માટેની સ્પેશલ ફ્લાઇટ માટે કતાર ખાતેના ગુજરાતી સમાજ (Gujarati Samaj Qatar)એ ભારતીય એમ્બસી (Indian Embassy) સાથે સતત સંકલન કર્યું. પોતાના વતન જવા ઈચ્છતા ગુજરાતીઓની યાદી તૈયાર કરી તેને ભારતીય એમ્બસીને પહોંચાડવાથી લઈને સ્થાનિક કો-ઓર્ડીનેશનની જવાબદારી ગુજરાતી સમાજ કતારે ઉપાડી લીધી હતી.
ગુજરાતી સમાજ કતારના પ્રમુખ દેવાંગ પટેલે ન્યૂઝ18 સાથે વાત કરતાં જણાવ્યું કે, આપણા સમાજના લોકોને વતન મોકલવા માટે અમારી સંસ્થાના તમામ સભ્યોએ ખૂબ મદદ કરી. 154 લોકોના મેડિકલ ટેસ્ટથી લઈને ભારતીય એમ્બેસી સાથેના સતત સંકલનમાં ગુજરાતી સમાજના તમામ સભ્યો ખડેપગે રહ્યા.
દેવાંગ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ફ્લાઇટ માટે કતરનું વિદેશ મંત્રાલય, ભારત વિદેશ મંત્રાલય, ગુજરાત સરકાર અને આઈસીસીના અમે ખૂબ જ આભારી છીએ.
ગુજરાતી સમાજ કતારના સેક્રેટરી રાજીવ એમ. ગાંધીએ જણાવ્યું કે, અમે બીજી ફ્લાઇટનું પણ આયોજન થાય તે માટે તમામ ઓથોરિટીને વિનંતી કરી છે. અમને આશા છે કે ટૂંક સમયમાં ગુજરાત માટે બીજી સ્પેશલ ફ્લાઇટની મંજૂરી મળશે અને સ્વદેશ જવા ઈચ્છતા ગુજરાતીઓ તમામ તકેદારીની સાથે ઘરે પહોંચશે.
નોંધનીય છે કે, દોહાથી અમદાવાદ આવવાની મંજૂરી મળતાં પ્રવાસ કરી રહેલા મુસાફરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.