કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં દર મિનિટે કોઇને કોઇ વ્યક્તિના પ્રાણ લઇ રહ્યું છે. જ્યારે હજારો લોકો આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વચ્ચે ઇટલીના એક ડોક્ટરે દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવે નબળો પડ્યો છે. અને પહેલાની જેમ તે હવે ખતરનાક નથી રહ્યો. જો કે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) આ દાવાને હાલ પૂરતો નકાર્યો છે. સાથે કહ્યું છે કે લોકોએ હંમેશાની જેમ સાવધાન રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ઇટલીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મોટા પ્રમાણમાં લોકોની મોત થઇ. અને ત્યાં કોરોના વાયરસે અત્યાર સુધી 33 હજાર લોકોના પ્રાણ લીધા છે. પણ હવે નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
મિલાનના સૈન રફાયલ હોસ્પિટલના પ્રમુખ ડૉક્ટર અલ્બર્ટો જંગરીલોનું કહેવું છે કે ક્લિનિકલી વાયરસ હવે ઇટલીમાં નથી. આ હોસ્પિટલ લોમ્બાર્ડી શહેરમાં છે જ્યાં 16 હજાર લોકોની આ કારણે મોત થઇ છે.
ડૉક્ટરે ઇટલીની RAI ટીવી ચેનલમાં જણાવ્યું છે કે ગત 10 દિવસમાં જે સ્વેબ ટેસ્ટ લેવામાં આવ્યા છે તેમાં વાયરસની માત્રા ખૂબ જ ઓછી છે. એક-બે મહિના પહેલાની તુલનામાં તે ખૂબ જ ઓછો બચ્યો છે. તેમણે એ પણ કહ્યું કે કેટલાક એક્સપર્ટ તેના બીજા તબક્કાને લઇને ચિંતત છે. પણ નેતાઓને આ વાતને ગંભીરતાથી લેવું જોઇએ.
જેનોઆની સૈન માર્ટીનો હોસ્પિટલમાં સંક્રમણ બીમારીના પ્રમુખ મૈશિયો બસેટીનું પણ કહેવું છે કે બે મહિના પહેલા આ વાયરસ જેટલો બળવાન હતો તેટલો હવે નથી. જો કે WHOનો દાવો છે કે હાલ આવું કહેવું યોગ્ય નથી. WHO કહ્યું કે આવી ધારણા ના ફેલાવવી જોઇએ કે વાયરસ અચાનક નબળો થઇ ગયો છે. આપણે અત્યારે પણ સાવધાન રહેવાની તાતી જરૂર છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ પછી ઇટલીએ પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પ્રતિબંધોમાં છૂટ આપવાની શરૂઆત કરી છે. ઇટલીમાં તમામ એરપોર્ટ 3 જૂનથી ખોલવામાં આવ્યા છે. ઇટલીના ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટ પણ આ અંગે જાણકારી આપી છે. હવે કોરોના સંક્રમણ અહીં નિયંત્રણમાં હોય તેમ લાગે છે.